- શું અધુરા મહિને ડિલિવરી અટકાવી શકાય છે ?
- સૌપ્રથમ અધૂરા મહિનાની ડિલીવરી એટલે શું?
- ગર્ભશિશુનો વિકાસ સામાન્ય રીતે માતાના છેલ્લા માસિકના પહેલા દિવસથી ગણવામાં આવતો હોય છે અને તે અનુસાર તેમને ડિલિવરી તારીખ આપવામાં આવે છે. જ્યારે પણ ૩૭ અઠવાડિયા પહેલા ડિલીવરી થાય છે તેને preterm ડિલિવરી અથવા અધૂરા મહિને થયેલી ડિલિવરી કહેવામાં આવે છે એટલે કે due date ના ત્રણ અઠવાડિયા પહેલા જે ડિલિવરી થાય છે તેને અધૂરા મહિનાની ડિલિવરી કહી શકાય છે.
- અધૂરા મહિનાની ડિલિવરી(preterm)થી બાળકને શું નુકશાન થતું હોય છે??
- Preterm ડિલિવરી થવાથી બાળકનો અધૂરો વિકાસ રહે છે. અધૂરા વિકાસના કારણે શરીરના અંગોનો વિકાસ પણ અધૂરો રહેતો હોય છે. ફેફસાના અધૂરા વિકાસને કારણે બાળકે લીધેલા શ્વાસમાંથી ઑક્સીજન લોહીમાં જતું નથી અને શરીરના દરેક અંગોને ઑક્સીજન મળતું નથી.તેથી દરેક અંગો ઓછા કાર્યશીલ રહે છે તેમજ અંગોના ઓછા વિકાસને કારણે આંતરડા ઓછા કામ કરે અને મગજનો વિકાસ પણ ઓછો થતો હોય છે અને બાળક ધાવણ ખેચી નથી શકતું અને આવા સંજોગોમાં બાળકને NICU માં રાખવાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત બાળકનું વજન ઓછું હોવાને કારણે ,રોગપ્રતિકારક શક્તિ ઓછી રહેવાને કારણે ચેપ લાગવાની પણ સંભાવના વધારે રહેતી હોય છે .
- Preterm ( અધુરા મહિનાની ) ડિલિવરીના કારણો શું હોય છે ?
1)Stress – a) mental stress
B)physical stress
- A) mental stress(માનસિક તણાવ) – તેના કારણે દર્દીને હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે અને તેના કારણે અધૂરા મહિનાની ડિલિવરી થતી હોય છે. દર્દીએ માનસિક તાણ ઓછું કરવા માટે યોગા અને પ્રાણાયામનો સહારો લેવો જોઈએ તેમજ સારું સંગીત, પુસ્તકો અને ખાસકરીને મહાપુરુષો અને બાળકેળવણીની પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. કલાને સબંધિત સંગીત સાંભળવું, રંગો પૂરવા, ચિત્રો દોરવા, માનસિક રમતો આ બધી રમતોમાં ધ્યાન દેવાથી માતાનું stress ખૂબ ઓછું થશે. આ ઉપરાંત માતા હમેશા માટે આનંદમાં રહે તે માટે પરિવારે તેવું વાતાવરણ ઊભું કરવાનું, જરૂરિયાત અનુસાર સગર્ભ માતાને તેના માતા-પિતાની જરૂર પડે તે માટે મળવા માટેની છૂટછાટ પણ રાખવી જોઈએ જેનાથી માતાનું તાણ પણ ઓછું થઈ જાય છે.
(b) physical stress(શારીરિક તણાવ) – જ્યારે દર્દી પ્રેગ્નેન્સી દરમિયાન ૬ કલાક કરતાં વધારે ઊભું રહે છે. ત્યારે અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતા રહે છે.
– પ્રેગનેન્સી દરમિયાન જરૂર અનુસાર જ કામ કરવું જોઈએ.
– દર્દીને થાક ઓછો લાગે તે માટે તેને રાતે ૬-૭ કલાક અને દિવસે ૧-૨ કલાકની ઊંઘ લેવી જોઈએ.
– આ ઉપરાંત વધારે પડતું વજન ન ઉપાડવું કે જેનાથી અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ ઘટે…
(2) infection (ચેપ) – જ્યારે યોનીનો ચેપ ,ગર્ભાશયનો ચેપ , પેશાબનો ચેપ,દાંતમાં પરુ થાય ત્યારે અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહેતી હોય છે.
– આવી કોઈપણ પ્રકારની તકલીફો હોય જેમકે,પેશાબમાં બળતરા થતી હોય, વાસ મારે એવું સફેદ પાણી આવવું, પેઢુંમાં દુખાવો થતો હોય (વારંવાર) આ તકલીફો જો pregnancy પહેલા અથવા પ્રેગનેન્સી દરમિયાન હોય તો તમારા ડૉક્ટરને જાણ કરો જેથી તેના દ્વારા યોગ્ય એન્ટીબાયોટિક આપી યોગ્ય સમયે તેની સારવાર કરવામાં આવે કે જેથી તેના દ્વારા અધૂરા મહિને થતી ડિલિવરી અટકાવી શકાય.
(3) TRAUMA (ઇજા) – ઇજા થવાને કારણે જ્યારે bleeding શરૂ થઈ જાય છે ત્યારે પણ અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઇજાને અટકાવવા માટે પ્રેગનેન્સીમાં દર્દીએ મુસાફરીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જ્યારે મુસાફરી ફરજિયાત બનતી હોય તો ટુ વ્હીલર કરતાં ફોર વ્હીલરનો ઉપયોગ વધારે કરવો જોઈએ .
– ઘરમાં કામકાજ કરતી વખતે ચીકણા floor પર અથવા પાણી ભરેલા floor ઉપર ચાલવાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
– કામકાજ દરમિયાન ટેબલ અથવા ખુરશી પર ચડવાનું ઓછું રાખવું જોઈએ.
(4) ગર્ભાશયની ખામી – જ્યારે ગર્ભાશયમાં પડદો હોય, જન્મ-જાત ખામી હોય અથવા ગર્ભાશયનું મુખ નાનું હોય ત્યારે પણ અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતા રહેતી હોય છે.
– આમના માટે ત્રીજા અને પાંચમા મહિને સોનોગ્રાફીની સલાહ આપવામાં આવતી હોય છે તો દરેક દર્દીએ આ સોનોગ્રાફી અવશ્ય કરવી જોઈએ.
– જો આ સોનોગ્રાફી દરમિયાન ગર્ભાશયનું મુખ નાનું હોય અથવા ગર્ભાશયમાં કોઈ ખામી લાગે તો ટાંકો લેવાની સલાહ આપવામાં આવતી હોય છે તો સમય અનુસાર તે ટાંકો પણ લેવો જોઈએ.
– અથવા પ્રેગનેન્સી દરમિયાન જુડવા બાળકો હોય અથવા બાળકની આજુબાજુનું પાણી વધારે હોય આવા સંજોગોમાં અધુરા મહિને થતી ડિલિવરી અટકાવવા માટે દર્દીએ પ્રેગનેન્સી દરમિયાન આરામ કરવો જોઈએ અને ડોક્ટર દ્વારા ટાંકો લેવાની સલાહ આપવામાં આવે છે તો તે પાળવી જોઈએ.
– કેટલીકવાર અગાઉ અધૂરા મહિને ડિલિવરી થયેલી હોય અથવા વારંવાર કેટલીકવાર ત્રણ મહિના પછી અબોશન થયેલું હોય ત્યારે પણ અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતાઓ રહે છે.
(5) દર્દીનું વજન ઓછું હોય, જેની લોહીની ટકાવારી ઓછી અથવા પોષકતત્વોની ખામી હોય તો તેમના નિવારણ માટે pregnancy પહેલા જ ફોલિક એસિડ અથવા vit B12 પૂરતા પ્રમાણમાં લેવાથી અથવા આ ઉપરાંત પ્રેગનેન્સી પહેલા જ હિમોગ્લોબિન સારું રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ.
– તમારા ડોક્ટર દ્વારા આપવામાં આવતી ૩ મહિના સુધીની folic acid ની અને છેલ્લા ૬ મહિના સુધી આપવામાં આવતી આયર્ન અને કેલ્શિયમની દવા આપવામાં આવે તે પૂરતા પ્રમાણમાં અને સમયસર લેવી જોઈએ કે જેથી દર્દીમાં હિમોગ્લોબિન અને કેલ્સિયમની ઉણપ ન વર્તાય.
– આ ઉપરાંત pregnancy દરમિયાન તંબાકુ, ધુમ્રપાન અને આલ્કોહોલ જેવી આદતને કારણે પણ અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતા રહે છે તો સગર્ભ માતાએ આવી કોઈપણ આદતો પ્રેગનેન્સી દરમિયાન ન રાખવી જોઈએ.
– પ્રેગનેન્સી દરમિયાન દર્દી સાથે ડોક્ટર દ્વારા થયેલી પૂછપરછ દરમિયાન ડોક્ટરને એવું લાગતું હોય છે કે અધૂરા મહિને ડિલિવરી થવાની શક્યતા લાગતી હોય ત્યારે prophylaxis સારવાર તરીકે ડિલિવરી ન થાય તે અટકાવવા માટે પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન આપવા જોઈએ આ tocolytic સારવાર પણ આપવામાં આવતી હોય તો તે પણ લેવી જોઈએ અને જરૂર અનુસાર ગર્ભાશયના મુખ પર ટાંકો લેવાની સલાહ આપવામાં આવતી હોય તો તે પણ લેવી જોઈએ.
– જ્યારે અધૂરા મહિનાની ડિલિવરીનો દુઃખાવો શરૂ થઈ જાય છે ત્યારે ડોક્ટર દ્વારા દર્દીને દાખલ થવાની સલાહ આપવામાં આવે છે અને જરૂર અનુસાર tocolytic injection અથવા બાળકના ફેફસાના વિકાસ માટે પણ injection આપવામાં આવતા હોય છે.

No Comments