થાઈરોઈડની બીમારી કુલ લોકોમાંથી 12 % લોકોને હોય છે. તેમાં પણ સ્ત્રીમાં 8 ગણી વધારે હોવાની શક્યતા હોય છે. થાઈરોઈડની બીમારીમાં થાઈરોઈડ ઓછો હોય છે અથવા થાઈરોઈડના હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે. તેમાં થાઈરોઈડ હોર્મોન ઓછો હોવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. આ ઉપરાંત સ્ત્રીમાં ઓછો હોવાને કારણે તેમાં વ્યંધત્વ, માસિકની તકલીફ અને વારંવાર ગર્ભપાત થવાની તકલીફો રહેતી હોય છે.
તો આજે આપણે જાણીએ કે થાઈરોઈડ ઓછા હોવાનું કારણ શું હોય છે ? તેની કેવા પ્રકારની પ્રક્રિયા થતી હોય છે ? તેના લક્ષણો શું હોય છે ? તેની સારવાર કેવી રીતે કરી શકાય ? અને થાઈરોઈડ હોય તો દર્દીને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ ?
હાયપોથાઈરોડીઝમ એટલેકે શરીરમાં થાઈરોઈડ હોર્મોનનું પ્રમાણ ઓછું થવું. સૌપ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે થાઈરોઈડ હોર્મોન એટલે શું ? થાઈરોઈડ હોર્મોન એ ગળામાં આવેલી થાઈરોઈડ ગ્રંથીમાંથી ઉત્પન્ન થાય છે. મગજમાં આવેલી પીટ્યુટરી ગ્રંથી માંથી S.TSH નામનો હોર્મોન ગળામાં આવેલી થાઈરોઈડ ગ્રંથીને અસર કરે છે અને એ થાઈરોઈડ ગ્રંથી પોષક તત્વોમાં લેવામાં આવેલા આયોડીન તત્વનો ઉપયોગ કરી T3 અને T4 હોર્મોન ઉત્પન્ન કરે છે. અને આ T3, T4 હોર્મોન શરીરના દરેક કોષોની ચયાપચયની એટલે કે કેટલીક એનર્જી વાપરવી કે કેવા પ્રકારનું કાર્ય કરવું જે કાર્ય ક્ષમતા છે તેનો આધાર થાઈરોઈડ હોર્મોન ઉપર હોય છે.
હાઈપોથાઈરોડીસમમાં T3 અને T4 હોર્મોનનું પ્રમાણ ઘટે છે. ત્યારે S.TSH નું પ્રમાણ વધે છે. એટલે જયારે પણ લોહીનો રીપોર્ટ કરવામાં આવે ત્યારે જો S.TSH નું પ્રમાણ વધારે હોય તો એ શરીરમાં થાઈરોઈડ હોર્મોન ઓછો ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. સ્ત્રીમાં આ થાઈરોઈડ હોર્મોન ઓછો થવાને કારણે સૌ પ્રથમ સ્ત્રીબીજ ઓછી ગુણવત્તાના બને છે અને તેને કારણે વ્યંધત્વની તકલીફ થાય છે. આ ઉપરાંત માસિક વધારે આવવાની અથવા અનિયમિત આવવાની તકલીફ થતી હોય છે અથવા હાઈપોથાઈરોડીસમ ને કારણે કેટલાક દર્દીઓમાં PCOD, વારંવાર ગર્ભપાત થવો, અધૂરા મહીને ડીલેવરી થવી અથવા ઓછી માનસિક બુધ્ધિવાળા બાળકનો જન્મ થવાની તકલીફો રહેતી હોય છે.
હાઈપોથાઈરોડીસમ એટલેકે થાઈરોઈડ હોર્મોન ઓછો હોય તેવા દર્દીમાં કેવા લક્ષણો હોય છે તેવા દર્દીમાં નખ વારંવાર તૂટી જતા હોય છે, વાળ ખરતા હોય છે, ચામડી સુકી હોય છે, ચહેરા પર સોજા આવતા હોય છે, દર્દીને ખુબ આળસ આવે, કામ કરવાની ક્ષમતાઓ ઘટતી હોય છે, ખોરાક ઘટે છતા પણ વજન વધારે પડતો વધતો હોય છે. વધારે નિંદર આવે, વધારે પડતી ઠંડી લાગે, કબજીયાત લાગે આ ઉપરાંત સ્ત્રીમાં વ્યંધત્વની તકલીફો, માસિક વધારે આવવાની તકલીફો પણ થતી હોય છે.
હવે આપણે જાણીએ કે થાઈરોઈડ હોર્મોન ઓછો ઉતપન્ન થવો એટલે કે હાઈપોથાઈરોડીસમના કારણો શું હોય છે. તેમાં મુખ્યત્વે કારણોમાં ઓટોઈમ્યુન ડીસીઝ એટલે કે શરીરમાં એવા પ્રકારના રોગ પ્રતિકારક એન્ટીબોડી બને છે કે જે પોતાના શરીરના કોષોનો નાશ કરે છે. એટલે T3 અને T4 હોર્મોન ઓછો ઉત્પન થાય છે. અન્ય કારણોમાં ફેમેલી હિસ્ટ્રી, જીનેટીકલ કારણોને કારણે અથવા એન્વાયરોમેન્ટ, ટોક્સીન ને કારણે, પોલ્યુશન ને કારણે, કેટલીક પ્રકારની દવાઓ લેવાના કારણે, પોષક તત્વોમાં આયોડિનની ઉણપને કારણે ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો ને આ ઉપરાંત ઓપરેશનમાં થાઈરોઈડ ગ્રંથી નીકાળવાને કારણે કેન્સરના કારણે અથવા રેડીયેશનના ડેમેજના કારણે પણ હાઈપોથાઈરોડીસમ થવાની શક્યતા રહેતી હોય છે.
હવે આપણે હાઈપોથાઈરોડીસમ એટલેકે થાઈરોઈડ હોર્મોન ઓછો હોય તેવા દર્દીની સારવારમાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સૌ પ્રથમ સારવારમાં થાઈરોક્સીન નામની દવા આપવામાં આવે છે. આ દવા એ રીપ્લેસમેન્ટ સારવાર હોય છે, ક્યોરેટીવ સારવાર હોતી નથી એટલેકે આ સારવાર લેવામાં આવે છે. ત્યાં સુધીજ થાઈરોઈડ હોર્મોન શરીરમાં પૂરતા પ્રમાણમાં સચવાય રહે છે. દવા શરુ કર્યા પછી 4 કે 8 અઠવાડિયા પછી ફરીવાર S.TSH નો રીપોર્ટ કરાવ્યા પછી દવાનો ડોઝ વધારવો કે ઘટાડવો તે નક્કી કરવામાં આવે છે. આ દવા જે લેવામાં આવે છે તે થાઈરોઈડ હોર્મોન હોય છે એટલે કે શરીરમાં થાઈરોઈડ હોર્મોન ઘટે છે એટલે આપવામાં આવે છે. એટલેકે રીપ્લેસમેન્ટ થેરાપી છે ક્યોરેટીવ નથી. દવા શરુ કર્યા પછી જો થાઈરોઈડ હોર્મોન નોર્મલ આવી જાય અને દર્દી દવા બંધ કરીએ તો ફરીવાર હાઈપોથાઈરોડીસમના દર્દીને સારવાર ઉપરાંત કેટલીક જીવનશૈલી અને લાઈફસ્ટાઇલમાં બદલાવ કરવાની જરૂર હોય છે તેમાં દર્દીએ પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલમાં ન પીવું જોઈએ. ઠંડા પીણા ન પીવા જોઈએ. દર્દીએ વજન ઓછું કરવા માટે નિયમિત કસરત, એરોબિક કસરત અથવા સૂર્યનમસ્કાર કરવા જોઈએ. સવારના તડકામાં રહેવું જોઈએ અને 7 કલાકની પુરતી નીંદર કરવી જોઈએ.
આ ઉપરાંત કેટલાક આસનોથી પણ હાઈપોથાઈરોડીસમમાં ફાયદો થતો હોય છે. જેમાં સર્વાંગસન, હલાસન, ઉષ્ટાસન, સિહાસન અને મત્સ્યાસન આવે છે અને પ્રાણાયામમાં કપાલભાતી 10 થી 20 મિનીટ કરી શકાય છે અને ઉજ્જયન આસન 7 વાર, 12, 15 કે 21 વાર કરવાથી ખુબ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત થાઈરોઈડ હોર્મોન એ અંત:સ્ત્રાવની બિમારી હોવાને કારણે તેમાં સ્ટ્રેસ લેવલ વધવાથી પણ હાઈપોથાઈરોડીસમ થતું હોય છે.
હાઈપોથાઈરોડીસમના દર્દી ખોરાકમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં દર્દીએ અનાજનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જરૂર પડે તો રાગી, બાજરી, શિંગોળાનો લોટ નો ઉપયોગ કરી શકાય. શાકભાજીમાં કોબી, ફ્લાવર, બ્રોકલી, કેલ, બોયચોપ્સ જેવા શાકભાજી તેમજ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. જરૂર પડે તો રાંધેલા શાકભાજી લઇ શકાય. સુકામેવામાં એપ્રિકોટ અને બદામ ન લેવા જોઈએ. ફ્રુટમાં સ્ટ્રોબેરી, રાસબેરી, ચેરી અને પેરુ ન લેવા જોઈએ અને સોયાપ્રોડક્સનો ઉપયોગ બંધ કરવો જોઈએ. હાઈપોથાઈરોડીસમ દર્દીએ ખોરાકમાં ખજુર, મીઠી કેરી અને નારીયેલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. સવારે કોથમીરનું જ્યુસ અને સવારે ગરમ પાણીમાં લીંબુ, આદું, હળદર, કોથમીર અને ફુદીના નાખીને તેમાં મધ નાખીને પીવું જોઈએ. રાત્રે સુવા સમયે હળદર વાળું દૂધ પણ પીવું જોઈએ.

No Comments